Saturday, August 18, 2018

ત્રીજો ભાગ, મારો પ્રેમ અને તારી વાર્તા

આગળ જાણ્યું કે પૂજન અને ખુશી એકબીજાના હાથમાં હાથ રાખીને સુમધુર સંવાદ કરી રહ્યા હતા, તો સામે દિશા પોતાના જ મનમાં ઉઠતા સવાલો સાથે શતરંજ રમી રહી હતી. આખરે જીતવાનો અનુભવ કરીને એણે પાર્ટી પૂરી કરી. ધડામ કરતુ બારણું પછાડીને પોતાના રૂમમાં ઘુસી. ટેડીબીઅરનો શું વાંક હતો એતો એ જ જાણે. હાથમાં પકડીને છુટ્ટો ઘા કરીને સામેની દીવાલ પર પછાડ્યું, બિચારા એની વેદનાનું શું? એ થોડું મન હતું કે સામે આવીને વાત કરવા બેસે?
“બહારથી લઈને આવેલું ગુસ્સાનું પોટલું કોઈ નિર્જીવ પુતળા પર શું કામ ઠાલવે છે?” ધમકાવતું હોય તેમ એનું મન બોલ્યું.
“મારે હમણાં કોઈની જોડે વાત નથી કરવી.મને એકલી છોદીડે.” ખુબ જ તોછડાઈથી દિશાએ જવાબ વાળ્યો.
“હું કંઈ તારી સાથે વાત કરવા નથી માંગતી. હું તો માત્ર વિચાર કરું છું. તું તારું જ નુકસાન કરી રહી છે. કોઈ પોતાના જ હાથે પોતાનું નુકસાન કેમ કરે? અને એ પણ ખુબ જ સારી રીતે વાતની જાણ હોવા છતાં?”
“લીવ મી અલોન” દિશાએ ત્રાડ નાખી.
પછી ખબર નહિ ક્યારે એને ઊંઘ આવી ગઈ તો સાંજે ૯ વાગે ને ૧૦ મીનીટે એની આંખ ખુલી.ઘરમાં પૂછવા વાળું કોઈ હોત તો જરૂર પૂછત,
”કેમ રૂમમાં એકલી એકલી બુમો પાડે છે?”
મોઢું પણ ધોયા વગર પરદો ખસાડીને બહાર નજર કરી તો એને આકાશ દેખાયું. ખુબ જ સ્વતંત્ર તારલાઓ મન ફાવે એમ આકાશ જોડે રમી રહ્યા હતા. દિશાને લાગ્યું ભાગીદાર થવું જોઈએ આ રમતમાં.ખુરશી ખેંચીને સામે પગ લાંબા કરીને એ બેઠી રહી. થોડીક વારે એક સિગારેટ પણ સળગાવી. પેન હાથમાં લઈને ડાયરી પર ચીતરી,
“કોઈ કેમ નહિ બાંધી શકતું હોય આ તારલાઓને... છે કોઈ એવી સાંકળ જે પકડી રાખે તમને ને કહે કે આ તમારો વિસ્તાર. આપ્યું આખું આકાશ, કરીલો બાથમાં તમારાથી થાય એટલું....”
અને આમ આવું તો કંઈ કેટલુંયે એણે ચીતરી નાખ્યું. બીજી બાજુ પૂજન પેલી પાર્ટી પછી પોતાની જાતને જ ગીલ્ટી માની રહ્યો હતો.એને એવું કે હું ખુશી સાથે બેઠો હતો એટલે જ કદાચ દિશા નારાજ થઈને પાર્ટીમાંથી નીકળી ગઈ હશે.પણ મેં પણ તો એને રોકવાનો પ્રયત્ન કર્યો જ હતો, પણ એણે પુઠ વાળીને જોયું જ નહી તો હું શું કરું? જયારે જયારે એના ફોન પર ખુશીના નામની રીંગ વાગતી ત્યારે ત્યારે એને દિશાની યાદ આવતી, અને એકાદ કલાકમાં આવું દસેક વાર થતું હતું.એ ખુશીના ફોન ના ઉપાડે અને સામે દિશા એના ફોન ના ઉપાડે. જબરું ત્રિકોણ સર્જાયું હતું. જે અમને જોઈએ એને અમે ના જોઈએ, અને જેને અમે જોઈએ એ કોને જોઈએ?
ચારેક દિવસ વીત્યા હશે,દિશા અને તેની ડાયરીની એકાદ વાર્તા પૂરી પણ થઇ ગઈ. મળ્યા બંને શહેરના જાણીતા કેફેમાં. વીતેલ ચારેય દિવસમાં એક પણ વ્હોટસેપ મેસેજ કે કોલ ની આપ લે થઇ નહોતી.પણ છતાયે બંનેમાંથી એકેયને લાંબા સમય બાદ મળ્યાનો ઉત્સાહ નહોતો.કદાચ બંને એવું જ વિચારતા હતા, “વાત ના થઇ તો શું થયું. વિચાર તારા સિવાય બીજો કોઈ આવ્યો હોય તો આ કોફીનો ઘૂંટ હોઠે અડતા જ ઝેર બને.” મળતી વખતે માત્ર ફોર્મલ હેન્ડ શેક અને તરત જ સામસામેની ખુરશી પરની બેઠક.આછા ભૂરા રંગનો પૂજનનો શર્ટ અને આછા લીલા રંગનું દિશાનું ટોપ બંને ગુલાબી વાતો કરવા માંગતા હતા પણ કંઈક કાળા રંગનું નડી રહ્યું હતું. એક કૉફીનો મગ એવું બોલી રહ્યો હતો કે મેં એક વાર મારી ફરજ પૂરી કરી હવે હું શું કામ કંઈ કહું? બીજો બિચારો હજુ શબ્દો શોધી રહ્યો હતો. બીજા બધા જ કલરની વાતો થઇ ગઈ પણ હજુ ગુલાબી રંગની વાત થઇ નહોતી ત્યાં જ કૉફી પૂરી થઇ ગઈ. જે રંગની વાતો થઇ હતી એમાંથી જ એક રંગ પસંદ કરીને દિશાએ ઘરે આવીને પોતાની નવી વાર્તા રચી,
”સુંદર હું લાગતો હતો એની મને ખબર હતી. પણ એની મને જ ખબર હતી એ મને ક્યાં મંજુર હતું.” આવા મુખ્ય વિચાર સાથે નવી વાર્તા રચાઈ,”હું ને મારો રંગ”. દિશા પોતાના લખાણથી સંતુષ્ટ હતી, એની પાસે લાગણીઓ લખવા માટે પેન હતી પણ પૂજન, એતો પહેલા પણ કોઈકને કશું બતાવવા અને હજુ પણ કોઈકને કશુક કહેવા પેન શોધી રહ્યો હતો. એ બાહ્ય બધા જ પ્રયત્નો કરતો પણ એનો પ્રેમ નહોતો બતાવી શકતો. જયારે દિશા બાહ્ય પ્રયત્નો સમજતી નહોતી અને અંદરનું લખાણ કોઈને વાંચવા નહોતી દેતી. એને તો આખો વાર્તા સંગ્રહ લખીને સાથે પબ્લીશ કરવો હતો. ટુ બી કંટીન્યુ...  
લેખક – રોહિત પ્રજાપતિ
પ્રતિભાવ આવકાર્ય
@rhtprajapati92@gmail.com

Sunday, August 12, 2018

બીજો ભાગ, "મારો પ્રેમ અને તારી વાર્તા"

પાછળના લેખમાં જાણ્યું કે પૂજને સાહસ કરીને દિશા સામે પ્રેમુલ્ટી(પ્રેમની ઉલટી) કરી ,
"વિલ યૂ મેરી મી?
દિશાએ એટલા જ સાહસથી જવાબ વાળીને પૂજનનું દિલ ખંખેર્યુ. ખંખેર્યુ એટલા માટે કેમકે હજુ તોડ્યું નહોતું. પૂજન પાસે હજુ પણ દિશાના દીલને પીગળાવવાની તક હતી. દિશાની કોલેજ ફ્રેન્ડ સંધ્યાના ઘરે પાર્ટીનું આયોજન થયેલું હતું. પૂજન દિશાના ફ્રેન્ડ તરીકે અનામંત્રિત જગ્યાએ હાજરી પુરાવવા આવેલો હતો. અહીં મોટા ભાગે છોકરીઓનો જમાવડો હતો. ત્રીસ જણને આમંત્રણ હતું એમાથી સત્તર છોકરીઓ,આઠ છોકરા અને એક અનામંત્રિત પૂજન હતો. દિશાએ પાર્ટીમાં પ્રવેશ કર્યો ત્યારથી જ પૂજન દિશાના દરેક ફ્રેન્ડને ગર્મજોશી પૂર્વક મળી રહ્યો હતો. કોઈ કોઈ ઉત્સાહી ફ્રેન્ડ દિશાને તો હગ કરતી જ હતી પણ સાથે સાથે પૂજનને પણ નહોતી છોડતી. પૂજનને થોડુક ઓકવર્ડ લાગી રહ્યું હતું પણ મન મજા કરી રહ્યું હતું. બીજી બાજુ દિશાએ ત્રણચાર વાર ઇગ્નોર કરવાનો પ્રયત્ન કર્યો પણ જ્યારે ખુશીએ આવીને દિશાના પણ પહેલા પૂજનને હગ કર્યું ત્યારે તો એનાથી ના જ રહેવાયું.
"ફ્રેન્ડ મારી છે કે એની?" એનું ધડક્તું હ્રદય બોલ્યું. "હશે, એતો આમેય ચાલુ છોકરી છે". તરત જ મનાવી પણ લીધું.
"હાય દિશા, હાઉ આર યુ? આઈ થોટ તું નહીં આવે. યુ નો સંધ્યાએ શરત લગાવી હતી કે મારા ઘરે પાર્ટી છે તો દિશા તો આવશે આવશે ને આવશે જ".
દિશા કશુક બોલવાનો પ્રયત્ન કરે એ પહેલા જ,
"લૂક એટ માય ડ્રેસ.ટ્વેલવ હંડ્રેડ ડોલર યુ નો,ડેડ બ્રોટ ઈટ ફોર મી ફ્રોમ યુ.એસ."
"નાઇસ ડ્રેસ" દિશાએ ટૂંકમાં પતાવ્યું.પણ ખુશી, ખુશી કઈ આટલેથી અટકે એવી નહોતી એણે તો પૂજન પાસે જઈને કંટીન્યુ જ કર્યું,
"સો યંગ મેન, ડુ યુ લાઈક માય ડ્રેસ?"
"યસ, યુ લુક બ્યુટીફુલ ઇન ઈટ". પૂજને એક નજર ફેરવતા કહ્યું. પછી શું, પૂજનને એક એક્સ્ટ્રા હગ મળ્યું. દિશા પૂજન અને ખુશીને એકલા છોડીને આગળ વધી. લગભગ બધા જ ફ્રેંડ્સ ને મળ્યા પછી પાછળ વાળીને જોયું તો પૂજન અને ખુશી એક બીજાના હાથમાં હાથ નાખીને આછા અજવાળામાં સુમધુર સંવાદ કરી રહ્યા હતા. પહેલી નજરે દિશા ઊભીને ઊભી સળગી ઉઠી,પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો,
"એણે તો પ્રપોઝ કર્યો હતો,આપણે જ સામેથી ના પાડી હતી".
"અરે હા, પણ એનો મતલબ એવો તો નથી જ ને કે રસ્તે ચાલતા કોઈ પણ છોકરી મળી તો એની સાથે જોડાઈ જવાનું?"
"પણ ખુશી કઈ રસ્તે ચાલતી છોકરી થોડી છે, એ તો ફ્રેન્ડ છે તારી"
"હા એટ્લે શું મારી જ સાથે આવીને મારીજ ફ્રેન્ડને પટાવવાની એવું? માણસમાં થોડીક તો કર્ટસી હોય કે ના હોય?"
"પણ તું એને એકલો અજાણી છોકરી સાથે મૂકીને જાય તો વાત તો આગળ વધવાની જ ને?"
"છોડ હવે,ખરેખર તો મે જ ભૂલ કરી છે."
"હા,તે ભૂલ તો ચોક્કસ કરી જ છે."
"એટ્લે? તું કહેવા શું માંગે છે? શું ભૂલ કરી છે મે? હેં ? લૂક,મે જે કર્યું એ બરાબર જ કર્યું છે."
"શું બરાબર કર્યું છે? મે ક્યાં કશું કહ્યું? તું જ બધુ બોલે જાય છે."
"અરે પણ... તું જો તો ખરી. એ કેવો પેલીને ચોટીને.."
"તું શું કામ એ બાજુ જુએ છે? તારે શું છે? એનું જીવન એ ગમે તે કરે તારે શું?"
"યસ, આઈ ફરગોટ. મને શું? એનું જીવન છે એ ગમે તે કરે."

માત્ર ત્રીસ સેકંડમાં ધડાધડ સવાલ જવાબ એના મગજમાં ઉમટી પડ્યા. આખરે એણે વોશરૂમમાં જઈને જ શ્વાસ લીધો. ફ્રેશ થઈને ફેસવોશથી મોઢું ધોયું.જાણે એમ કરવાથી એની અંદર છુપાયેલું મન એને પ્રશ્નો કરવાનું છોડી દેશે.બીજી બાજુ પૂજન હજુયે માત્ર મન મજા કરતું હતું એટ્લે જ ખુશી સાથે બેઠો હતો. બાકી દિલ હજુયે દિશાને જ શોધતું હતું. એને થયું કે ખુશીનો હાથ બાજુ પર મૂકીને દિશા પાસે જતો રહું. પણ ના,જો એ એમ કરતો તો પછી એને નોટિસ કોણ કરતું. હમણાં દિશાના આવા અસ્વસ્થ વર્તન અને ખુશીના નવા પ્રેમી તરીકે એ પાર્ટીનો મધ્યસ્થ બનીને ચર્ચાઇ રહ્યો હતો. ત્યાં હાજર બાકીના ઓગણત્રીસ જણ અમુક ચોક્કસ સેકન્ડ પછી આ બંને પર નજર જરૂર નાખી લેતા હતા. પૂજન મલકાતા મન સાથે અને રાહ જોતાં દિલ સાથે સંકોચાઈને બેઠો હતો. હમણાં દિશા આવશે અને એને દિશા બતાવશે એની રાહમાં...to be continued.
લેખક - રોહિત પ્રજાપતિ
પ્રતિભાવ આવકાર્ય
@rhtprajapati92@gmail.com

Sunday, August 5, 2018

"મારો પ્રેમ અને તારી વાર્તા"

"મારો પ્રેમ અને તારી વાર્તા"

પૂજનને નાનપણથી જ કોઈક એને લાડ લડાવે એ ગમતું. એને સતત એવું થતું કે કોઈ આખો દિવસ એના ગાલ પર આમ હળવી હળવી ટપલી મારતું રહે. કોઈ પ્રેમથી કાલી કાલી બોલીમાં એની જોડે વાત કરે. એની આ ટેવ કહો કે કુટેવ એની ઉમરની સાથે મોટી થતી જતી હતી. સ્કૂલમાં શિક્ષકો એણે લાડ લડાવતા ત્યાર સુધી એની ઇચ્છાઓ પૂરી થતી રહી. કોલેજનો વાયરો જરાક અલગ હતો, અંહી કોઈને કોઇની પડી નહોતી. હા, ફ્રેંડશિપ ડે ખૂબ જોર શોર થી મનાવવામાં આવતો પણ ગાલે ટપલી? એ અંહી નહોતું શકય. પૂજન આવતા અને જતાં જાણે હિજરાતો હોય એમ જીવી રહ્યો હતો. કપલને જોઈને એની અંદર જ્વાળાઓ સળગતી હતી,એ શાંત થવાનું કોઈ ઠેકાણું દેખાતું નહોતું. પેરેન્ટ્સને એમકે હવે પૂજન બાળક થોડો રહ્યો છે? પણ દાઢી મૂછના ધણી બનેલા પૂજનના મગજમાથી હજુયે લાડકા થવાનું અને ચારેય બાજુથી આકર્ષણથી ઘેરાઈને રહેવાનુ ઘેલું ભૂલાયું નહોતું. એને સતત એવું થાતું કે બાળપણ કેવું સારું હતું નહીં, દર સેટરડે ઘરમાં પાર્ટી જેવો માહોલ. અલગ અલગ લોકોના ખોળામાં બેસવાની મજા, અલગ અલગ લોકો આવીને ગાલ પર કિસી કરે. આ પ્રકારના વિચાર આવતા તો પૂજન અંદરથી હચમચી જતો હતો. એક પ્રકારનું કંપન એના શરીરમાં અનુભવાતું હતું. દિવસો સૂકા સૂકા વીતી રહ્યા હતા અને એક દિવસ વાદળ જામ્યા. દિશા સ્ટેન્ડ પર ઊભી  બસની રાહ જુએ છે અને એકલો પૂજન પોતાના બાઇક પર બાજુમાંથી નીકળે છે.જેવી દિશા એ બૂમ પાડી કે તરત જ બ્રેક વાગી,પૂજનના બાઇક પર પણ અને સૂકા સૂકા દિવસો પર પણ. દરરોજનો સિલસિલો ચાલુ થયો. સ્ટેન્ડ પરથી દિશાને પિકઅપ કરીને ઘરે મૂકવાની અને ઘરેથી પિકઅપ કરીને સ્ટેન્ડ પર મૂકવાની. દિશા બી.એ ના પ્રથમ વરસમાં હતી. એનો રસ્તો ક્લિયર હતો, કશુંક બનવું તો માત્ર લેખક જ. પણ એની શરૂઆત હજુ થઈ નહોતી. એને શું લખવું છે એ પણ એ નહોતી સમજી શકી. સ્કૂલ લાઈફ થી જ ફ્રેંડ્સ માટે બર્થડે કાર્ડ બનાવવા, દિવાળી કાર્ડ બનાવવા અને એના પર અલગ અલગ શાયરીઓ લખવી એ એનો શોખ હતો. આધુનિક યુગ ના લેખકોના માન મોભા જોઈને મનમાં લેખક બનવાનું નક્કી કર્યું. જ્યારથી પૂજન એની લાઈફમાં આવ્યો ત્યારથી એણે એક એક કહાની દરરોજ મળતી જતી. પૂજન એને આજ સુધી જોયેલા પુરુષોમાં કંઈક અલગ જ હતો. રસ્તામાં ઝગડો ચાલુ હોય તો પણ પૂજન જઈને ટોળામાં નહીં પણ ટોળાંની વચ્ચે જઈને ઊભો રહેતો. એ પોતેતો વચ્ચેના ઓબ્જેક્ટને જુએ જ પણ એની સાથે સાથે લોકો એને પણ જોતો જુએ. આઇસ્ક્રીમ ખાતી વખતે એ પોતાની જાતને જરૂર કરતા થોડીક વધુ એક્ઝાગરેટ કરે. ક્યારેક ક્યારેક તો એના આવા પ્રયત્નો થી એનું શર્ટ પણ ખરાબ થતું. પણ ચાલક એટલો કે શર્ટ ખરાબ થતાં જ બે લોકો જુએ એવી રીતે ટીશ્યુ માંગીને લાવીને સાફ કરે. દિશા માટે આ બધી વસ્તુઓ સાવ અલગ હતી. એણે એનાથી મતલબ નહોતો કે લોકો એને જુએ છે કે નહીં? જ્યારે પૂજનને એનાથી જ મતલબ હતો. રસ્તામાં વળાંક તો ત્યાં આવ્યો જ્યારે પૂજનને જાણતા અજાણતા દિશા જોડે પ્રેમ થઈ ગ્યો. હવે દિશાને છોડવા અને લેવા જવી એ જાણે એની ફરજ બની ગઈ હતી. દિશા આ વાતથી કોષો દૂર હતી પાછી. એને પૂજન ગમતો હતો, પણ આમ સાવ એવી રીતે નહોતો ગમતો. એને પૂજનની કંપની ગમતી, એની સાથે મૂવી જોવું એની સાથે લંચ-ડિનર, ક્યારેક ક્યારેક સિગારેટના એકાદ બે કશ પણ ચાલી જતાં. દિશા ને લગભગ દરરોજ એક વાર્તા પૂજન તરફથી મળતી. વાર્તા નો નાયક પૂજન જ રહેતો, એણે એવું થતું કે દરરોજ દિશા જે લખે એ એને સાંભળાવે પણ દિશા ક્યારેય એવું કરતી નહીં, એને આખો વાર્તાસંગ્રહ બનાવવો હતો. રોજ ચાલતા સિલસીલાથી કંટાળી એક દિવસ પૂજન એ મન મક્કમ કર્યું કે આજે તો મન ખાલી કરી જ નાખવું. એક સરસ રૂપાળી રેસ્ટોરન્ટ, સાંજનો રોમેન્ટીક સમય, અને હેન્ડસમ લાગવા માટેની થઈ શકે એ બધી જ કોશિશ કરીને એણે દિશાને પૂછી લીધું, "દિશા, વિલ યૂ પ્લીઝ મેરી મી." દિશા પહેલા તો એકીટસે જોઈ જ રહી. પછી પરિસ્થિતિનો વિચાર કરતાં એણે ઘૂંટણીયે પડેલા પૂજનને ઊભો કર્યો. "પૂજન તારે આ બધુ કરવાની જરૂર નહોતી. આ બધુ તો ઇમ્પ્રેસ કરવા માટે કરવાનું હોય. હું તો તારાથી પહેલેથી જ ઇમ્પ્રેસ છુ. મને તું ગમે છે સાચે જ." પૂજનના ખભા ઊંચા થઈ ગયા. ખુશી સમાઈ જ નહોતી રહી. ચહેરો લાલ ટામેટાં જેવો થઈ ને રહ્યો. થેન્ક યુ કહેવા જ જતો હતો કે દિશા એ કંટીન્યુ કર્યું, સાચે જ તું મને ગમે છે પણ માત્ર કહાનીઓમાં જ. રિયલ લાઈફ માં નહિ. લાલ ચહેરો અચાનક પિડો પડતો ગયો. થોડી વાર પહેલા ઘૂંટણે હતો એ પૂજન હવે સાવ જમીન પર હતો. ઊભો થાઉં કે ના થાઉં, અને થાઉં તો થઈને કરું શું? કોઈ જ પ્રશ્ન નો જવાબ ના મળતા તે બેસી જ રહ્યો માત્ર. દિશા જાણે કંઈ જ ના થયું હોય એમ ડાઈનિંગ ટેબલ પર જ પોતાની ડાયરી પેન કાઢીને ઘસી....ટૂ બી કંટીન્યુ।
લેખક - રોહિત પ્રજાપતિ
પ્રતિભાવ આવકાર્ય
@rhtprajapati92@gmail.com






Monday, July 30, 2018

"પરફેક્ટ કપલ"

"પરફેક્ટ કપલ"

એક કપલ કેવું હોવું જોઈએ? જુવાનીનો સળગતો સવાલ. જવાબ આપો, પરફેક્ટ? એકદમ પરફેક્ટ? જરાય નહીં.મારા હિસાબે પરફેક્ટ કોઈએ પણ હોવાની જરૂર જ નથી. કોઈ એક ઇમપરફેક્ટ હશે તો બીજું તેને પરફેક્ટ બનાવવાનો અને પહેલું પરફેક્ટ બનવાનો આનંદ લેશે. કાલે સમી સાંજે મળ્યો સરોજને. હિચકી લેતા હૃદયે બોલી,"રોહિત , મજા નથી આવી રહી. કદાચ કોલેજનું જીવન વધુ સરળ હતું. એ વખતે દિવસો ઝાલ્યા હાથમાં નહોતા રહેતા હવે લગ્ન પછી ગણી ગણીને જાય છે". મેં એની સામે હળવા હાસ્યથી માત્ર જોયું. મને લાગ્યું એક આખો વર્ગ જાણે એ કપલને જોઈ રહ્યો હોય, અને ટાણું મારી રહ્યો હોય,"ના કીધી હતી બધાયે તોયે કર્યા લવ મેરેજ હવે ભોગવે".  તો સામેથી સંવાદ વાગે, " અરે એ શું ભોગવવાના, ભોગવે તો એમના મા બાપ છે. બિચારા લગ્ન વખતે પણ કોઈને મોઢું ના બતાવી શક્યા ને હવે પણ નહીં". મેં પાણીનો ગ્લાસ આગળ ધરીને પૂછ્યું, " પણ કેમ સરોજ, વાંધો ક્યાં આવે છે? તમારી વચ્ચે તો ખૂબ જ સારું અંડરસ્ટેન્ડિંગ હતું ને?
"અરે એ અંડરસ્ટેન્ડિંગે જ તો ભવાઈ નીકળી છે ને" કોરા નિશ્વાસ સાથે સરોજ એ જવાબ વાળ્યો.
મને પહેલી વાર આજે સમજુ કપલનો ઝઘડો જોવા મળી રહ્યો હતો. કજોડા તો ઘણાય છુટા પડ્યા પણ સજોડા? એમનું શુ? એતો બધી પરીક્ષાઓમાં પાસ હતા ને? "પણ અચાનક વાંધો શુ?"
એ હવે સતત મને સમજણના પાઠ જ સમજાવતા રહે છે. ક્યારેક તો લાગે છે હું એમની વાઈફ નહીં પણ સ્ટુડન્ટ છું. મારી વાત ને અધવચ્ચેથી કાપીને એ બોલી.
અમારા કોમન ફ્રેન્ડ્સ ને જ્યારે અમે મળીએ ત્યારે એ ગણાવ્યા જ કરે, "સરોજને તો શોપિંગનો શ પણ મેં જ શીખવાડયો. રસોઈનો ર પણ મેં જ શીખવાડયો. એ બધું તો છોડો દરરોજ ડાઇનિંગ ટેબલ પર મોટીવેશનનો ડોઝ હું સરોજને ના આપુને તો સવારે ઢીલી ઢસ. એની એક એક નિષ્ફળતા પર ઢગલે ને ઢગલે રડે". એક જ શ્વાસે એ મારા સામેના ટેબલ પર વરસી પડી. પહેલા તો મને વિશ્વાસ ના આવ્યો કે આવુ અમારા બધાનો ફ્રેન્ડ જયદીપ કરતો હશે ખરો? પણ કદાચ સરોજ ના વહેવાની તૈયારીમાં હતા એ આંસુએ મારી શંકાનું ખૂન કર્યું. મને લાગ્યું આવું કેમનું થતું હશે? પછી થયું કદાચ વધારે પડતું અંડરસ્ટેન્ડિંગ આ બધા પાછળ કામ કરતું હતું. મૌનમાં રહીને પોતાના મન સાથે ઝગડયા કરવું એના કરતાં થોડુંક બોલીને સામેના પાત્ર સાથે ઝગડી લેવું સારું. થોડાક અબોલા અને મીઠા ઝગડા વગર પ્રેમ કિનારે નથી પહોંચતો. અને પહોંચે છે તો એની ઉજવણી નથી થતી. એ વખતે સરોજ મારી પાસે કોઈ સલાહ લેવા નહીં પરંતુ મન ખાલી કરવા આવી હતી, એ વાત મેં એની આખી કથની સાંભળ્યા પછીના એના ચહેરા પરના સંતોષ પરથી જાણી. મેં પણ એને કોઈ જ સોલ્યુશન ના આપ્યું, પણ એને સાંભળી. ક્યારેક ભાવોની ઉભરામણી થતી હોય એટલે એને યોગ્ય પાત્રમાં ખાલી કરવા જરૂરી છે. પ્રેમ માત્ર પંપાળવાથી પણ નહીં અને હાલ પર છોડી દેવાથી પણ નહીં, વખતોવખત સંભાળવાથી વધે છે. પ્રિયજનને કૉફી પસંદ છે એની જાણકારી રાખવા કરતા બનાવીને પીવડાવવી ખૂબ જરૂરી છે. એવી જ રીતે તૈયાર કોફીની આદત પાડવા કરતા કોક દિવસ ડાઇનિંગ ટેબલ પર આપણી ચા ની રાહ જોવી પણ એટલી જ જરૂરી છે.
લેખક - રોહિત પ્રજાપતિ
પ્રતિભાવ આવકાર્ય
@rhtprajapati92@gmail.com